કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકડાઉનની સ્થિતિને ધ્યાને લઈને કુલ રૂ. 6210 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. આ વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે કહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગંગા સ્વરૂપ બહેનો, ગરીબ, વંચિત અને મધ્યમ વર્ગ સહિતના વર્ગને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે રૂ. 3950 કરોડ અને રાજ્ય માટે રૂ. 2259 કરોડની મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યા છે.
અશ્વિની કુમારે ઉમેર્યું હતું કે, પીએમ કિસાન યોજના હેઠળ ગુજરાતના કુલ 47,81,426 ખેડૂત લાભાર્થીઓને કુલ રૂ. 956.28 કરોડની રકમ ચુકવવામાં આવી છે. જ્યારે ગુજરાતના કુલ 68 લાખ કાર્ડધારકોને રૂ. 1182 કરોડનો વધારાનો અનાજનો સ્ટોક અપવામાં આવ્યો છે. ગંગા સ્વરૂપ માતા-બહેનો, વૃદ્ધોને બે મહિના સુધી રૂ. 500-500 લેખે રૂ. 1000 ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કુલ 5.80 લાખ વૃદ્ધોને લાભ મળશે. 97437 ગંગા સ્વરૂપ બહેનો તથા 10700 દિવ્યાંગ લાભાર્થીઓને આનો સીધો ફાયદો થશે. એવી મહિલાઓ જેની પાસે જનધન ખાતું છે તેમને દર મહિને કુલ રૂ. 500 લેખે સતત ત્રણ મહિના સુધી 74 લાખ મહિલાઓને રૂ. 1110 કરોડની મદદ જાહેર કરી છે.
ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર વિનામુલ્યે કેન્દ્ર સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 538 સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 22 નવા કેસ રાજ્યના જુદા-જુદા જિલ્લામાંથી નોંધાયા છે. અમદાવાદમાં 13, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 તેમજ આણંદ-વડોદરામાંથી એક-એક કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓનાં મૃત્યુને કારણે કુલ મૃત્યુઆંક 26 થયો છે. જ્યારે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હજુ પણ 273 કેસ પેન્ડિંગ છે. જેના ટેસ્ટ કરવાના બાકી છે. બીજી તરફ અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારને રૂ. 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. એવી પણ તંત્રએ જાહેરાત કરી છે. જુદા-જુદા જિલ્લાના વહીવટી તંત્રએ ગરીબો અને મજૂરવર્ગને રાહત આપવા માટે ફૂટ પેકેટ અને અનાજનું વિતરણ કરવા આદેશ કર્યા છે. આ ઉપરાંત રાશનકાર્ડ પર રાશન આપવા માટે પણ એલાન કરવામાં આવ્યું છે. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ પણ ફૂડ પેકેજની સેવાઓ આપી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો