Gy


ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કારણ કે માર્ચ મહિના કરતા એપ્રિલ મહિનામાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના કેસમાં ખૂબ જ વધારો થયો છે. લોકો ઘરમાં રહીને સુરક્ષિત રહે તે માટે પોલીસ તંત્ર ખડેપગે રહી દિવસ-રાત એક કરીને લોકોની સેવા કરી રહ્યું છે અને લોકો પણ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે ત્યારે અમદાવાદ પોલીસ પર થોડા દિવસો પહેલા NCR અને CAAના વિરોધમાં જે જગ્યા પર પોલીસ પર પથ્થરમારો થયો હતો, તે જગ્યા પર પોલીસકર્મીઓનું સ્થાનિક લોકો દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું છે.


રિપોર્ટ અનુસાર, અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થોડા દિવસો પહેલા NCR અને CAAના વિરોધને લઈને કેટલાક લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં ઘણાં પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ત્યારે અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પોલીસની કામગીરીને જોઈને ત્યાંના બાળકોથી લઈને વડીલો સહિત તમામ લોકોએ પોલીસનું સ્વાગત કર્યું હતું. જે ડિવિઝનના ACP રાજપાલસિંહ રાણા, PI જે. એમ. સોલંકી અને તેમનો સ્ટાફ જ્યારે શાહ આલમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મહત્ત્વની વાત એ છે કે, કોરનાની મહામારીથી લોકોનું રક્ષણ કરવા માટે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ખડેપગે રહીને કામ કરી રહ્યું છે. કેટલાક પોલીસકર્મીઓ તો સુખ અને દુઃખની પરિસ્થિતિમાં પણ તેમના પરિવારની સાથે રહી શકતા નથી કારણ કે તેઓ આ કપરા સમયમાં દેશની અને લોકોની સેવાને પ્રાધાન્ય આપીને પોતાના પરિવારથી દૂર રહીને પણ તેમની ફરજ પર અડગ રહ્યા છે.


કેટલાક પોલીસ કર્મચારીઓના ઘરે પુત્રનો જન્મ થયો હોવા છતાં પણ તેઓ તેમના પરિવારની પાસે ગયા નથી અને મોબાઇલમાં પુત્રનો ફોટો મંગાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક પોલીસકર્મીઓના પરિવારજનોનું અવસાન થતા, તેઓ અંતિમવિધિ પૂર્ણ કરીને તરત જ પોતાની ફરજ પર હાજર થયા છે, તો કેટલાક પોલીસકર્મીઓનો અકસ્માત થવાના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને જેના કારણે તેઓ પ્રાથમિક સારવાર લઇને આવા કપરા સમયમાં ઈજાગ્રસ્ત હાલતમાં પણ ખડેપગે રહીને લોકોની સેવા માટે હાજર થયા છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું