ચીનથી ફેલાયેલ કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી વિશ્વમાં 1 લાખથી વધુ લોકોના મોત આ જીવલેણ વાયરસથી થયા છે. ત્યારે 18 લાખથી વધુ લોકો આની ચપેટમાં છે. ભારતમાં પણ આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે અને દેશમાં દિવસે-દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો કોરોના પોઝિટિવ કેસનો આંકડો 538 એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 26 એ પહોંચ્યો છે.
કોરોના વાયરસ સામે લડવા માટે હાલ ગુજરાત સહિત આખા દેશમાં લોકડાઉન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેનો આવતીકાલે એટલે કે 14 એપ્રિલે છેલ્લો દિવસ છે. પરંતુ હવે આ લોકડાઉન આગળ વધે એવી પ્રબળ શક્યતાઓ છે. કારણે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને કેટલાક રાજ્યોમાં તો સ્થિતિ ગંભીર બની છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ વણસે નહીં તે માટે લોકડાઉન 15 દિવસ આગળ વધારવાની ભલામણ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતના રિપોર્ટના આધારે 15 દિવસ લોકડાઉન આગળ વધારવા ભલામણ કરવામાં આવી છે. ભલામણ બાદ આ અંગે નિર્ણય લેવાઈ શકે છે અને ત્યાર બાદ સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. માહિતી મુજબ 15 દિવસ બાદ 3 તબક્કામાં લોકડાઉન ખુલશે. જે જિલ્લામાં એકપણ કેસ નથી ત્યાં લોકડાઉન પહેલા ખોલવામાં આવશે. એવી માહિતી છે. ઉપરાંત, લોકડાઉન ખુલ્યા બાદ પણ આંતર જિલ્લા પ્રવાસ બંધ રાખવામાં આવશે. માહિતી મુજબ અમદાવાદમાં હજુ 45 દિવસ લોકડાઉન રહે તેવી શકયતા છે. કારણે કે ત્યાં અન્ય શહેરોની અપેક્ષા સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં સૌથી છેલ્લે અમદાવાદમાં લોકડાઉન ખુલે એવી માહિતી છે.

ટિપ્પણી પોસ્ટ કરો